લોકસાહિત્યની સંપત્તિ
garvi gujarat ના કવિ દુલા ‘કાગ’....
garvi gujarat ના ખાસ કરીને સૌરાષ્ટ્રના
લોકસાહિત્યની એક આગવી અસ્મિતા છે. એની અભિવ્યક્તિમાં ભક્તિભાવથી માંડીને ઉપનિષદોના
જેટલું ઊંડું તત્ત્વજ્ઞાન, જનમનરંજનથી માંડી વ્યાપક જીવનદૃષ્ટિની
ભદ્રતા સરળતમ છતાં અર્થગંભીર શબ્દવૈભવ, અદનામાં અદના
માનવીની જીભે ચડી જાય એવું ગેયતત્ત્વ અને લોકહૃદયમાં જડાઈ જાય તેવો ચાતુરીયુક્ત
બોધ જોવા મળે છે. રોજિંદા જીવનના એક એક પાસાને સ્પર્શતું આ લોકસાહિત્ય બહુધા
કંઠસ્થ જ રહ્યું હોઈ, નવા યુગના ગ્રંથસ્થ શિષ્ટ સાહિત્યને
પડછે ઓરમાયા જેવું બની ગયું હતું ત્યારે સ્વ. ઝવેરચંદ મેઘાણીએ એની ખરી ઓળખ અને એની
વ્યાપક શક્તિની પિછાન કરાવી એનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે.
મેઘાણી પછી garvi gujarat ના કવિ દુલા કાગે
લોકસાહિત્યમાં પોતાની વશીકરણ વાણી વડે એમાં ફરી પ્રાણ ફૂંક્યો. ગુજરાતમાં ફરી
ડાયરા જામવા માંડ્યા અને લોકો લોકસાહિત્ય પ્રત્યે અભિમુખ થવા લાગ્યા. ગુજરાતી
ચિત્રપટોમાં જૂનાં લોકગીતો ફરી વહેતાં થયાં. લોકોની, લોકસાહિત્ય પ્રત્યેની અભિમુખતા કેળવવામાં મેઘાણી અને કવિ દુલા કાગ જ
યશના અધિકારી છે. સાહિત્યક્ષેત્રે મેઘાણીની દેણગી માત્ર લોકસાહિત્ય પૂરતી સીમિત ન
હતી એમ દુલા કાગની દેણગી પણ બહુવિધ રીતે વ્યાપક રહી છે.
જૂનાગઢના રા'ડિયાસનું માથુંમાગનાર તુંબેલ ચારણ બીજલના એ વંશજ, વડવાઓ કચ્છ છોડીને સાતેક પેઢીથી કાઠિયાવાડમાં આવીને વસ્યા હતા.
પહેલાં બગદાણા પાસે કમળાના ડુંગરે, ત્યાંથી સાલોલી ને પછી ગીરમાં રહ્યા
અને છેવટે garvi gujarat ના જૂના ભાવનગર રાજ્યમાં મજાદર ગામે એ સ્થિર થયા. મજાદરના જસા અરડુએ ઝાલા
કાગને પોતાની દીકરી પરણાવી હતી. આ ઝાલા કાગના દીકરા ભાયા કાગની આખા પંથકમાં ફેં
ફાટતી. આસપાસના માથાભારે ભારાડીઓમાં એ સાવજ થઈને રહેતા. ઘેર ઝાઝેરાં ઢોર ને મોટી
ખેતી. એના અભરે ભર્યા ઘરમાં અફીણ, અનાજ અને દારૂની જ્યાફતો ઊડતી. ઘરનો
રોટલો મોટો એટલે એનાં ઘરવાળાં ધાનબાઈને દાડી પોણો મણનું દળણું રહેતું. આ
અન્નપૂર્ણા જેવાં ધાનબાઈના પેટે સંવત ૧૯૫૮ના કારતક વદની અગિયારસે દુલા કાગનો જન્મ
થયો.
કિશોર દુલાના ગામ પાસે જ પૉર્ટ
વિક્ટરની નિશાળ હતી. પાંચ ચોપડીનું ગુજરાતી ભણતર ભણીને કિશોર ઊતરી ગયો છે. હવે એ
ધણમાં સંચર્યો છે. જૂના કાળમાં કૃષ્ણ કનૈયાને ગાય ચારવાના નીમ હતા. ઉઘાડા પગે
ચાલવાનું, ઉઘાડા માથે ફરવાનું, ગાય બેસે ત્યાં બેસવાનું, ગાય ઊભી રહે
ત્યાં ઊભા રહેવાનું, બધી ગાયોને કૂવાકાંઠે લઈ જઈને પાણી
સીંચી પાણી પાવાનું ! દસમે વર્ષે નાના દુલાએ ગૌસેવાનું વ્રત લીધું. અડવાણે પગે એણે
ઘરના ઘોડા ધમારવા-ખેલવાના મૂકીને સીમમાં ગાયો ચારવા માંડી. ખડિયામાં ગણપતિની
મૂર્તિ રાખી. એની ઉપાસના કરવા માંડી. ઠુંગાપાણી અને કસુંબાની છોળો ઉડાડતા બાપના
ભર્યાભર્યા ડાયરા છોડીને એણે સાધુસંતોનો સહવાસ કરવા માંડ્યો. દીકરાના આ ભગતવેડા
જોઈ બાપ ભાયા કાગને પોતાની દોમદોમ સાહ્યબીના રખવાળોની ચિંતા કોરવા લાગી.
છાંટો-પાણી લેતા રહીને આંખ રાતી રાખી મરદ બનવા એણે દીકરાને અનેક વખત સલાહ આપી.
બીજીય આડી અવળી કંઈક તરકીબ કરી જોઈ, પણ બાપને મારગે
ચડવાનો દીકરાને પાનો ન ચડ્યો તે ન જ ચડ્યો. અંતે હારીને ભાયા કાગ એને મહુવા પંથકના
સાંગણિયા ગામે પોતાના એક ભેરુ આયર હીપા મોભને ત્યાં લઈ ગયા. આ હીપા મોભે દુલાની
અંતરભાવના કળી લીધી. બહુ કોચવાતાં દીકરો બાવો થઈ જશે એમ માની એણે ભાયા કાગને એનો
અભરખો છોડી દેવા સલાહ આપી.
ઘણી વિચારણા ને મનોમંથનને અંતે ભાયા
કાગે પીપાવાવના પ્રતાપી સાધુ મુક્તાનંદજીને દુલાની સોંપણી કરી. અહીં દુલાનું દિલ
કૉડ્યું. પાંચ જ ચોપડી ભણેલા દુલાએ અહીં શાસ્ત્રોનો અભ્યાસ આદર્યો. ‘વિચારસાગર’, ‘પંચદશી’ને ‘ગીતા’ તો હવે એને જીભે થઈ ગયાં. ‘રામાયણ’ ને ‘મહાભારત’ના કથાસાગરમાં એનું મન હવે હિલોળા લેવા લાગ્યું. ભક્તિના માળામાં
કાવ્યત્વનું પંખી ક્યારે આવીને ઈંડાં સેવવા બેઠું એની કોઈને ખબર ન પડી. એક શુભ
મુહૂર્તે મુક્તાનંદજી ગુરુએ દલા સાથે ગોઠણે ગોઠણ અડાડી, માથે હાથ ફેરવ્ય
અને તેને સવૈયો લખી લાવવા આદેશ કર્યો.
ત્યારથી દુલા કાગની વહેતી થયેલી કાવ્યસરવાણી આગળ વહેતાં અસ્ખલિત કાવ્યધોધ બની રહી.
કરુણા નીતરતો આત્મા ભક્તિરસમાં ભીંજાયેલું હૃદય, અનુભૂતિમાંથી અવતરિત વાણી, શાસ્ત્રોનો
આત્મસાત- અભ્યાસ અને સાથે રણકતા કંઠે ભળી આગવી અભિવ્યક્તિએ એમને લોકપ્રિયતાને ઊંચે
આસમાને પહોંચાડી દીધા.
રાજદરબારે garvi gujarat ના દુલા કાગનાં માનપાન વધ્યાં.
દુલાભાઈના મારગમાં લાલચો કંઈ ઓછી ન હતી. ધ્રાંગધ્રાના રાજાસાહેબ તરફથી તેડું
આવેલું, પણ દુલાભાઈએ જવાબ દીધો : ‘મારું એ કામ નહીં.’ અર્ધ ખેડુશાહી
અને અર્ધ સાધુડિયો એમનો લેબાસ બદલવા અને ચારણના ઢંગ ધારણ કરવા અનેક દિશાએથી એમની
પર દબાણ આવેલું. પરંતુ એ અલગારી જીવ, ન તો એમાં અટવાયો કે ન તો પ્રતિષ્ઠાને
ફાંસલે ગૂંચવાયો-ફસાયો. ન તો એણે પોતાના વતનનાં અબુધ માનવીઓને છોડ્યાં કે ન વતનની
ધૂળ. પોતીકું ખોરડું ને પોતીકી ખેડ પણ એણે જાળવી રાખ્યાં. સૌજન્ય, સંયમ, વિવેક, આર્દ્રતા અને
જનસેવામાંથી એમણે પોતાના કાવ્યની પ્રેરણા લીધી. પરંપરાગત ચારણી ધાટીના એમના બુલંદ
કાવ્યગાને હજારોની સભાઓ ડોલાવવા માંડી. ગામડાગામના અદના ભગતો સુધી એમનાં ભજનો
ગવાવા લાગ્યાં. લોકવાર્તાઓ કહેતા એમના રણકતા કંઠે કંઈક લોકોને હસાવ્યાં અને
રડાવ્યાં પણ ખરાં. આકાશવાણીએ જવલ્લે જ કોઈ એક વ્યક્તિનું કર્યું હશે એટલું
રેકૉર્ડિંગ એમનું કર્યું છે. લોકઢાળમાં ઢળેલી એમની વાણીનું વશીકરણ લાંબા સમય સુધી
લોપાશે નહિ. એમનું સર્જન લોકોનું સંસ્કારધન બની ગયું છે.
જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચરણ જેવા વિષયોને
ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’ ભાગ ૧ (૧૯૩૫), ભાગ ૨ (૧૯૩૮), ભાગ ૩ (૧૯૫૦), ભાગ ૪ (૧૯૫૬), ભાગ ૫ (૧૯૫૮), ભાગ ૬ (૧૯૫૮), ભાગ ૭ (૧૯૬૪)માં
લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબા-બાવની’ (૧૯૫૮), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯) વગેરે
કૃતિઓ પણ એમણે રચી છે. એમણે રચેલી ‘કાગવાણી’ના આઠ ભાગોની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે.
garvi gujarat ના દુલા કાગની પ્રવૃત્તિ લોકસાહિત્યનાં
સર્જન-પ્રસાર અને ખેતીમાં સીમિત રહી ન હતી. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા
ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં સદા રસ લીધો હતો. ભાવનગરના ચારણોને વારસાહક્ક
અપાવવામાં એમણે આગેવાની લીધી હતી. ‘ચારણ હિતવર્ધક સભા’ના એ પ્રમુખ થયા હતા. ચારણ વિદ્યાલય સ્થાપવામાં એમણે આગેવાનીભર્યો
ભાગ લીધો હતો. ગાંધીયુગની નવજાગૃતિના વિચારોને એમણે સચોટતાથી લોકગીતો અને
લોકઢાળોમાં ઢાળ્યા હતા. ગાંધીપ્રશસ્તિની એમની રચનાઓ ગામડાંઓ સુધી ફેલાઈ હતી.
નશાબંધીનો વિચાર ફેલાવવા અને પાંત્રીસ ગામને દારૂ છોડાવવા તેમણે પાઘડી ઉતારી હતી.
વિનોબાજીના ભૂદાન ખ્યાલને એમણે આત્મસાત્ કરીને ‘વિનોબા-બાવની'ની રચના કરી
હતી. રવિશંકર મહારાજના એ ચાહક હતા. એમને મજાદર આમંત્રીને એમણે પોતાની ખેડમાંથી ૬૫૦
વીઘા જમીન, ૧૨ બળદ, ૧૨ હળ અને બાર કૂવા તથા ૫,૦૦૦ રૂપિયાનું ઘાસ ભૂદાનમાં આપ્યું
હતું.
બાળપણમાં garvi gujarat ના દુલા કાગનું લગ્ન થયેલું. એ
પત્નીના અવસાન બાદ તેઓ અપરિણીત રહ્યા હતા. પણ પિતા અને નાના ભાઈના મૃત્યુ બાદ
વંશરક્ષણાર્થે એમણે રાજબાઈ સાથે ફરી લગ્ન કરેલું. બચપણમાં એમને રાજરોગ અડી ગયેલો -
જે ફરીને ઉત્તરાવસ્થામાં ઊછળી આવ્યો. સાત સાત વરસ સુધી એમણે એની સામે ઝીંક ઝીલી.
દેહના એ બેસૂરાપણાને દાબી દઈને છેવટ સુધી લોકોને લોકસાહિત્યનું પાન કરાવવા સાથે
નવા યુગવિચારોનું સંકલન સાધી એમણે જનસામાન્યનું આગવી રીતે ઘડતર કર્યા કર્યું. એમની
મર્મભેદક તેજસ્વી આંખો, ઝૂલતી, ફરફરતી શ્વેત દાઢી,
રણકતો કંઠ અને માથે પાઘડી તથા જાડા પોશાકવાળો, સાગના સોટા જેવો
દેહ નથી, પરંતુ લોકસાહિત્યના ઇતિહાસમાં તેમનું નામ ભુલાશે નહિ. જાણીતા
સાહિત્યકાર જયભિખ્ખુએ કવિ દુલા કાગની પ્રશસ્તિ કરતાં એક વાર કહેલું કે : કોકિલના
માળામાંથી કવિતા સંભળાય એ જૂની વાત છે, પણ કાગના માળામાંથી કવિતા સંભળાય એ નવી
વાત છે ! રે કોકિલ ! કંઠ તારો, પણ ગીત તો કાગનાં ! ભજન એ કંઈ સુધરેલા સમાજમાં ગાવા જેવી ચીજ થોડી છે
? સાધુ, બાવા, ભિખારીઓની ઝોળી ભરવાની એ કળા છે. ભજન ભક્તિમાર્ગની નીપજ છે. કાગબાગના
માળીના સ્વમુખે જે સરસ્વતી વહી એણે અમને ઘાયલ કર્યા ! શું વાણીનું સામર્થ્ય ! શું
ભાવનું સામર્થ્ય! અંતરની કેવી નિર્મળ ગતિ !' આ સમયે સ્વનામધન્ય પં. સુખલાલજી પણ
હાજર હતા, એમણે ગદ્ગદ કંઠે આંસુભરી આંખે કહ્યું : ‘જાણે કોઈ ઋષિની
વાણી સાંભળી. વેદ- પુરાણનો સમાસ ગીતોમાં થયો દેખાય છે. સંસારનાં ઝેર મારવા, જીવતરનાં અમૃત
પાવા કવિ જુગજુગ જીવો !'
કવિ દુલા ભાયા કાગ વીસમી સદીની, garvi gujarat ના સૌરાષ્ટ્રની એક
વિરલ વિભૂતિ હતા. પરંપરાથી જે ચારણી બાની એમને વારસામાં મળી હતી તેનો વર્તમાન નૂતન
યુગને અનુરૂપ વિનિયોગ કરીને તેમણે એક ક્રાંતિ જ સર્જી દીધી, દુલા ભગતની
રચનાઓમાં નવા પ્રયાણની પગલીઓ છે. દુલા કાગની ખરી કવિતા એમને જીવનપંથમાંથી જ જડેલી
છે. ગાંધીજી, વિનોબા, જવાહરલાલ નહેરુ, સ્વરાજ્ય, અંત્યોદય, અહિંસા અને એવા નવયુગી વિષયોને લઈને એમણે જે નવી કવિતા અને નવચિંતન
કર્યાં તે કાગવાણીમાં અભિવ્યક્ત પામ્યાં છે. તેમણે પોતાના કવિતમાં રામાયણ અને
મહાભારતના પ્રસંગો તો આલેખ્યા જ છે. ‘પગ ધોવા દ્યો ને રઘુરાય' એ પંક્તિઓ તો
ખૂબ પ્રચલિત અને લોકપ્રિય થયેલી છે.